ટોચના સમાચારમુંબઈI મહારાષ્ટ્ર
Trending

બોરીવલી, મુંબઈમાં યોજાશે ઐતિહાસિક જૈન દીક્ષા મહોત્સવ 2026

મુંબઈ એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ આધ્યાત્મિક પ્રસંગનો સાક્ષી બનવા જઈ રહ્યું છે. જૈન દીક્ષા મહોત્સવ 2026નું આયોજન પ્રથમવાર એટલા ભવ્ય અને વિરાટ સ્તરે બોરીવલી વેસ્ટના ચીકુવાડી વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે. આ પાંચ દિવસીય મહોત્સવ નું નામ સંયમરંગ ઉત્સવ રાખવામાં અવાયું છે જે 4 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે અને 8 ફેબ્રુઆરી 2026ના રોજ તેનો ભવ્ય પરિપૂર્ણ દિવસ હશે, જ્યારે 18 પુરૂષ અને 46 મહિલા દીક્ષાર્થીઓ એક જ મંડપમાં સામૂહિક રીતે જૈન દીક્ષા ગ્રહણ કરશે — જે મહારાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ વખત બનશે.

મહોત્સવ માટે 2,50,000 ચોરસ ફૂટ વિસ્તારમાં એક વિશાળ આધ્યાત્મિક નગરીનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે સમગ્ર પરિસરને ત્યાગ, તપ, સંયમ અને જૈન આધ્યાત્મિક મૂલ્યોની અનુભૂતિથી ભરપૂર બનાવશે.

દીક્ષા ઉત્સવ વરિષ્ઠ આચાર્યભગવંત ગચ્છાધિપતિ પૂજ્ય સોમસુંદરસુરિજી મહારાજ સાહેબ અને અનેક પૂજ્ય આચાર્ય ભગવંતોની ઉપસ્થિતિમાં યોજાશે. આ દીક્ષા પૂજ્ય શાંતિચંદ્રસૂરિ સમુદાયના જૈનાચાર્ય પૂજ્ય જિનચંદ્રસૂરિજી મહારાજ સાહેબના પ્રશિષ્ય,પૂજ્ય યોગતિલકસૂરિજી મહારાજ સાહેબના માર્ગદર્શનથી સંપન્ન થશે. આ મહોત્સવમાં 800થી વધુ પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતોની પાવન ઉપસ્થિતિ રહેશે.

પાંચ દિવસ દરમિયાન કુલ 2,00,000થી વધુ ભાવિકો માટે સાધર્મિક ભક્તિ (ભોજન)ની ઉત્તમ અને સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે. વિશાળ ભોજન મંડપમાં એક સાથે 10,000થી વધુ લોકો બેસીને ભોજન કરી શકે તેવી સુવિધા રહેશે, જેમાં દરરોજ ત્રણ સમય ભોજન પીરસવામાં આવશે.

આ ઉત્સવનો સંદેશ જન જન સુધી પહોંચાડવા માટે 1,00,000થી વધુ ઘરોમાં મીઠાઈ અર્પણ કરવામાં આવશે, જેથી આધ્યાત્મિક સંદેશ સમગ્ર સમાજમાં પ્રસરે.

આ ઐતિહાસિક મહોત્સવમાં મુંબઈના 200થી વધુ જૈન સંઘો તથા 1,800 ટ્રસ્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેના કારણે સમગ્ર જૈન સમાજમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મહોત્સવની ભવ્યતામાં વધારો કરતા, દરરોજ દેરાસર પરિસર 1,000થી વધુ દીવાઓથી પ્રકાશિત કરવામાં આવશે, જેથી સમગ્ર વાતાવરણ દિવાળી સમાન દિવ્ય તેજથી ઝળહળતું દેખાશે. સાંજના સમયે દેશના જાણીતા ભક્તિ સંગીતકારો મનન સંઘવી, શિવમ સિંહ, સની શાહ સહિત 12 સંગીત ટીમો દ્વારા ભાવભર્યા ભક્તિ સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. આ ઉત્સવમાં દીક્ષાર્થીઓનો વિદાય સમારંભ, ભવ્ય વર્ષીદાન યાત્રા વગેરે અનેક કાર્યક્રમો લોકોનું આકર્ષણનુ કેન્દ્ર બનશે

આ આધ્યાત્મિક નગરીમાં શૌર્ય ગાથા, વિશેષ રીતે રચાયેલ આધ્યાત્મિક ગેલેરી, ભવ્ય મંદિર, તેમજ અનેક વિશિષ્ઠ રચનાઓ ભક્તો માટે ઉપલબ્ધ રહેશે.

આ દીક્ષા મહોત્સવની એક વિશેષ બાબત એ છે કે આમાં ૭૨ વર્ષના વયવૃદ્ધ થી લઈ નાની ઉંમર ૯ વર્ષના દીક્ષાર્થી છે જેમાં ત્રણ સંપૂર્ણ પરિવારો તથા ચાર દંપતિઓ (પતિ-પત્ની) એકસાથે સાંસારિક જીવનનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરશે. અનેક દીક્ષાર્થીઓ ઉચ્ચ શિક્ષિત અને પ્રોફેશનલ પૃષ્ઠભૂમિ ધરાવે છે, જેમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, પી.એચ.ડી. (ફિઝિક્સ), આર્કિટેક્ટ, ફૂડ ટેકનોલોજિસ્ટ, બી.એ.-એલ.એલ.બી., ઇન્ટીરિયર ડિઝાઇનર, મેડિકલ લેબ ટેકનોલોજી વિશેષજ્ઞ, તેમજ કલા અને વિજ્ઞાનમાં સ્નાતકોત્તરનો સમાવેશ થાય છે.

દીક્ષાર્થીઓ ભારતના નવ રાજ્યો અને શહેરો — સુરત, અમદાવાદ, બનાસકાંઠા (ભાભર, થરાદ, વાવ), સૌરાષ્ટ્ર, મુંબઈ, પુણે, ઉદયપુર, હિંગણઘાટ, રાયપુર અને ઉજ્જૈન —માંથી તેમજ *યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA)*માંથી પણ બે દીક્ષાર્થી આવી રહ્યા છે, જે જૈન ધર્મની વૈશ્વિક આધ્યાત્મિક પહોંચને પ્રતિબિંબિત કરે છે.

આ સમગ્ર વિરાટ આયોજન અધ્યાત્મ પરિવાર દ્વારા વિવિધ ઉદારદિલ લાભાર્થીઓના સહયોગથી સંચાલિત કરવામાં આવી રહ્યું છે, જેમાં 700થી વધુ સેવાભાવી કાર્યકરો નિષ્કામ ભાવથી સેવા આપી રહ્યા છે. અત્રે ઉલેખનનીય છે કે જૈનાચાર્ય યોગતિલકસૂરિજીની પાવન નિશ્રામાં ૨૦૧૯ માં ૪૪ સામુહિક દીક્ષા પણ બોરીવલીના આજ ચીકુવાડી માં યોજાયેલ અને એમની વાણીથી છેલ્લા ૧૦ વર્ષમાં ૩૫૦ + લોકોએ દીક્ષા અંગીકાર કરી છે, આ ૨૦૨૬નું વર્ષ પૂજ્ય શાંતિચંન્દ્રસૂરિજીની દીક્ષાનું સતાબ્દી વર્ષ છે એ પણ એક સુખદ યોગાનનુંયોગ છે.

બોરીવલી ખાતે યોજાનાર જૈન દીક્ષા મહોત્સવ 2026 સંયમરંગ ઉત્સવ, જૈન પરંપરામાં એક ઐતિહાસિક અધ્યાય ઉમેરશે અને સાથે સાથે મુંબઈની આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક ઓળખને નવી ઊંચાઈ આપશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!